મારી પાસે રસ્તો છે: ફરીથી “ઋષિમાર્ગ” અપનાવો. ફરીફરીને કહેવું પડે છે કે ઋષિઓ બણગાખોર નથી, વાસ્તવવાદી છે, તેથી પ્રજા આ લોક અને પરલોક બન્ને સુધારી શકે છે. ઋષિમાર્ગનો ટૂંકો સાર આ પ્રમાણે છે. આ ઋષિમાર્ગનો સાર છે. જો પ્રજાને આ ઋષિમાર્ગ તરફ વાળી શકાય તો ફરીથી પ્રજા મહાન થઈ શકે. જે આ પાંચેય સામે ઝઝૂમે તે જ મહાન હોય—મહાન થઈ શકે. પ્રજાને ફરીથી ઝઝૂમતી કરવી છે, ભાગતી નહિ. આ દૃષ્ટિકોણથી ‘રામાયણનું ચિંતન’ લખવાની પ્રેરણા પ્રાપ્ત થઈ છે. ‘રામાયણ’માં સીતાહરણના પ્રસંગ સિવાય ક્યાંય કોઈ સાધુ દેખાતો નથી, બધા ઋષિઓ જ ઋષિઓ છે. વાલ્મીકિ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, અત્રિ, અગસ્ત્ય, ભરદ્વાજ વગેરે બધા જ મહાન ઋષિઓ છે. તે બધાને પત્નીઓ છે. બધા પાસે શસ્ત્રો છે. બધા યુદ્ધો કરે છે, નવાંનવાં શસ્ત્રોની રચના કરે છે, રાક્ષસોથી મુક્તિ અપાવે છે. પ્રજાનું આ મુખ્ય પ્રેરકબળ છે. ઋષિઓ વૈચારિક ભૂમિકા પૂરી પાડે છે. માનો કે આપણે સૌ આ ઋષિઓના જેવા થઈએ તો દેશ કેવો બને? પછી પ્રજા કમજોર રહે ખરી? આ ઋષિમાર્ગ છે. તો પછી આપણને કમજોર બનાવનારો માર્ગ શું છે?