‘Meditation and Spiritual Life’ પુસ્તકના રચયિતા છે સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ. તેઓએ મંત્રદીક્ષા અને સંન્યસ્તદીક્ષા શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર રાખાલ મહારાજ અર્થાત્ સ્વામી બ્રહ્માનંદ પાસેથી પ્રાપ્ત કરી હતી. રામકૃષ્ણ સંઘમાં તેઓએ ૧૯૧૧માં યોગદાન કર્યા બાદ, ભારતમાં ૧૯૩૩ સુધી ‘Prabuddha Bharat’ નામના માસિકના સંપાદક પદે તથા રામકૃષ્ણ મઠ, મદ્રાસના અધ્યક્ષ પદે કાર્યભાર સંભાળ્યા બાદ તેઓની વિદેશનાં કેન્દ્રોમાં નિયુક્તિ કરાઈ હતી. તેઓએ ૧૯૩૩થી ૧૯૫૦ દરમિયાન વિદેશમાં વિભિન્ન સ્થળોએ કાર્યભાર સંભાળ્યો હતો. આ સમયગાળામાં તેઓએ આધ્યાત્મિક જિજ્ઞાસુઓ માટે લીધેલા વર્ગો, તેમણે આપેલાં વ્યાખ્યાનો અને તેમના દ્વારા સંચાલિત પરિસંવાદોના આધારે ‘Meditation and Spiritual Life’ નામના પુસ્તકનું અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશન થયું હતું. આ પુસ્તકનો હિન્દી અનુવાદ ‘ध्यान और आध्यात्मिक जीवन’ એ રૂપે રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત થયો હતો. ઉપર્યુક્ત બંને પુસ્તકોના આધારે ગુજરાતી ભાષામાં અનુવાદિત પુસ્તક ‘ધ્યાન અને આધ્યાત્મિક જીવન’ અત્રે પ્રસ્તુત છે.