ઇતિહાસના ઉદયકાળથી જ માનવજાતિની અંદર વિવિધ પ્રકારની અસાધારણ ઘટનાઓ બનતી નોંધાઈ છે. આધુનિક વિજ્ઞાનના ઝળહળતા પ્રકાશમાં જીવતા સમાજોમાં પણ આવા બનાવોની હકીકતની સાક્ષી પૂરનારાઓનો તોટો નથી. પણ આવા પુરાવાનો મોટો ભાગ અજ્ઞાની, વહેમી અથવા ધૂર્ત માણસો પાસેથી આવવાને લીધે ભરોસો રાખવા લાયક નથી હોતો. ઘણા કિસ્સાઓમાં તો કહેવાતા ચમત્કારો એ નકલો જ હોય છે.