હું જ્યારે કોઈ ભૂભાગની યાત્રા કરું છું ત્યારે તેને જોવા-જાણવા સમજવાનો પ્રયત્ન કરું છું. ભારત અને ભારતના પ્રશ્નો કેમ અને ક્યાં અટવાયા છે અને શું કરીએ તો તેનો ઉકેલ આવે તેની શોધ મારા મનમાં રહે છે. હું ધાર્મિક ક્ષેત્રનો માણસ હોવા છતાં ક્રમે ક્રમે તેમાંથી દૂર થતો ગયો છું. કારણ કે મને સ્પષ્ટ લાગ્યું છે કે ભારતના પ્રશ્નોમાં મોટા ભાગના પ્રશ્નો ધર્મો યા સંપ્રદાયોમાંથી ઊભા થયેલા છે. ખાસ કરીને ગરીબાઈ, વિભાજન, કલહ, અસુરક્ષા, કાયરતા, અંધશ્રદ્ધા, અકર્મણ્યતા આવા બધા અનેક પ્રશ્નો ધર્મોમાંથી ઊભા થયા છે. એટલે પ્રજાને વધુ ને વધુ ધાર્મિક બનાવવાથી આ પ્રશ્નો વધુ મોટા થતા જવાના છે. પણ ગુરુલોકો આવું જ કરી રહ્યા છે. ધર્મ-સંસ્કૃતિ અને અધ્યાત્મના નામે હજારો લોકો આ જ કામ કરી રહ્યા છે. અને પ્રશ્નોને વધુ વિકટ અને વિકરાળ બનાવવામાં યોગદાન આપી રહ્યા છે. પાયાની ભૂલ પરલોક છે. મારી દૃષ્ટિએ આવો કોઈ લોક જ નથી. ખરો લોક આ પૃથ્વી છે અને તેના પ્રશ્નો જ ખરા પ્રશ્નો છે. તેનો ઉકેલ એ જ ખરી સાધના છે. આ સાધના પડતી મૂકીને પેલી પરલોકવાળી સાધના કરવી તે પાણી વલોવીને માખણ કાઢવા જેવી વાતછે.