અમે શ્રીલંકાના ઘણા ભાગમાં ફર્યા, અમને બધે સારા જ અનુભવો થયા. એક પણ કડવો અનુભવ ન થયો. તેથી શ્રીલંકા પ્રત્યે અમારું માન વધી ગયું. બધાં પ્રવાસીઓ વારંવાર ભારત સાથે તુલના કરી બેસતાં અને દુ:ખી થતાં. આપણે તો શ્રીલંકા જેવા પણ નથી થઈ શક્યા, એવો ભાવ તરત જણાઈ આવતો. ક્યાંય ગંદકી જોવા ન મળે. લોકોનો વ્યવહાર સારો, લડાઈ-ઝઘડા જોવા ન મળે. સૌથી પ્રભાવિત કરનારું તત્ત્વ હતું ત્યાંનું ડ્રાઇવિંગ. ક્યાંય અકસ્માત જોવા ન મળ્યો. રસ્તા બહુ સારા નહિ, પણ વાહનવ્યવહાર ખૂબ શાન્તિથી કાયદેસર ચાલ્યા કરે. શ્રીલંકાની વનરાજી પ્રભાવશાળી છે. બધું લીલુંછમ દેખાય અને શિક્ષણતંત્ર પણ સારું. 92% શિક્ષણ હોય અને તે પણ ફ્રી હોય એટલે પૂરી પ્રજા શિક્ષિત કહેવાય. સ્ત્રી-પુરુષોના વ્યવહારમાં ક્યાંય વલ્ગરપણું કે આછકલાઈ જોવા ન મળે. ધાર્મિકભાવના વધારે, પણ બાવા કે ભિખારીઓ રખડતા કે ત્રાસ આપતા જોવા ન મળે. દુકાનોમાં ભાવતાલ કરવા પડે. બહુ મોટા સ્ટોરોમાં પણ રકઝક કરો તો કાંઈક ઓછું કરે. શ્રીલંકામાં ડેરી ઉદ્યોગ બહુ ઓછો છે. દૂધ, દહીં, ઘી વગેરેની પૂર્તિ ન્યૂઝીલૅન્ડથી થાય છે. અમે લગભગ રોજ દહીં ખરીદતા. બહુ સરસ જામેલું સ્વાદિષ્ટ હોય.