હિન્દુ ધર્મ પાસે કોઈ સર્વમાન્ય લોકભોગ્ય એકે ધર્મગ્રંથ નથી. મુસ્લિમો પાસે કુરાન, ખ્રિસ્તીઓ પાસે બાઇબલ, શીખો પાસે ગુરુગ્રંથસાહેબ છે, તેવો સર્વલોકભોગ્ય એક પણ ગ્રંથ નથી. કહેવા ખાતર વેદોને ધર્મગ્રંથ માનવામાં આવે છે, પણ એક તો તે લોકભોગ્ય નથી થઈ શક્યા, નથી થવા દીધા! બીજું, હિન્દુ પ્રજામાં અવૈદિક પ્રજા પણ છે, જે પોતપોતાના અલગઅલગ ધર્મગ્રંથો માને છે. વૈદિક પરંપરામાં જે આચાર્યો થયા (શંકરાચાર્ય વગેરે) તેમણે ‘પ્રસ્થાનત્રયી’ ઉપર ભાષ્યો લખ્યાં છે પણ કોઈએ વેદો ઉપર ભાષ્ય નથી લખ્યું. ‘પ્રસ્થાનત્રયી’માં ગીતા, બ્રહ્મસૂત્ર અને ઈશોપનિષદોને ગ્રહણ કરાયાં છે. ઉપનિષદોને વેદ માની લેવાયાં છે, વાસ્તવમાં તો સંહિતાભાગ જ વેદ છે. તેનો પ્રચાર તો આ આચાર્યોએ પણ કર્યો નથી. મૂળ વેદોનો પ્રચાર સ્વામી દયાનંદજીએ શરૂ કર્યો કહેવાય. તેમણે તેને લોકભોગ્ય બનાવવા સૌને અધિકાર આપ્યો પણ તેમાં બહુ સફળતા મળી દેખાતી નથી. હિન્દુ પ્રજા ઉપર ધર્મગ્રંથો તરીકે ઘણા ગ્રંથો છવાઈ ગયા છે, જેમાં રામાયણ-મહાભારત અને પુરાણો વગેરે ખરાં, પણ આ બધાંમાં એકવાક્યતા નથી, પ્રયત્ન કરીને એકવાક્યતા કરવી પડે છે. આ બધાના કારણે હિન્દુ ધર્મ સ્પષ્ટ-સચોટ થઈ શકતો નથી. તેની પાસે બધું ઘણુંઘણું છે, ઘણાં શાસ્ત્રો છે, ઘણા દેવો છે, ઘણા આચાર્યો છે, ઘણા ભગવાનો છે, ઘણા સંપ્રદાયો, પંથો અને પરિવારો છે. સૌકોઈ પોતપોતાની રુચિ પ્રમાણે આ ઘણાબધામાંથી કાંઈક સ્વીકારી લે છે, કાંઈક અસ્વીકારી પણ દે છે. આવી બધી અનિશ્ચિતતામાં છેલ્લાં 60-70 વર્ષોથી લોકમાન્ય એક ગ્રંથ પ્રાપ્ત થયો છે તે છે ‘શ્રીમદ્ ભગવદ્ગીતા.’ ગીતા તેનું ટૂંકું નામ છે. તેનાં પ્રચાર અને માન્યતા એટલાં બધાં થઈ ગયાં છે કે કૉર્ટકચેરીમાં સોગંદ ખાવા માટે લોકો ગીતા ઉપાડે છે અથવા ગીતા ઉપર હાથ રાખીને સોગંદ ખાય છે. હવે તે હિન્દુ ધર્મનો બહુમાન્ય ધર્મગ્રંથ થઈ ગયો છે, તેથી તેનું મહત્ત્વ ઘણું વધી જાય છે.